અલાહાબાદ: શહેરના એક દુર્ગાપંડાલમાં મંગળવારે મોડી રાતે બદમાશોએ એક હત્યાની વારદાતને અંજામ આપ્યો. દુર્ગાપૂજા દરમિયાન પંડાલમાં ખુબ ભીડ હતી. તે સમયે ચાર બદમાશો ત્યાં પહોંચ્યાં અને ત્યાં હાજર એક હિસ્ટ્રીશીટર પર આડેધડ ફાયરંગ કરી, બોમ્બ ફેંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ બદમાશો સરળતાથી ભાગી પણ છૂટ્યા. આ સમગ્ર ઘટના પંડાલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના મંગળવારે રાતે અલાહાબાદના કેન્ટ વિસ્તારમાં આયોજિત એક દુર્ગા પૂજા કાર્યક્રમમાં થઈ. દુર્ગા પૂજા માટે લોકોની ભારે ભીડ હતી. તે સમયે પંડાલમાં હિસ્ટ્રીશીટર નીરજ વાલ્મિકી પણ હાજર હતો. કહેવાય છે કે તેણે વિસ્તારમાં અનેક વારદાતોને અંજામ આપ્યો હતો. તે કેન્ટમાં જ તેના સાસરામાં રહેતો હતો. અલાહાબાદના રેડિયો સ્ટેશન ચાર રસ્તા પાસે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


નવરાત્રીના અવસરે વિસ્તારમાં રેડિયો સ્ટેશન પાસે દુર્ગા પૂજા સજાવવામાં આવી છે. નીરજ દુર્ગા પૂજા કમિટીનો અધ્યક્ષ હતો અને બહાર ખુરશીમાં લોકો સાથે બેઠો હતો. અચાનક બદમાશો આવી ગયા અને તેને નિશાન બનાવ્યો. પરિવારજનો હવે હત્યારાઓની ધરપકડ અને ઈન્સાફની માગણી કરી રહ્યાં છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધમાં લાગી છે. 


સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે વખતે તેની પાસે ચાર લોકો આવી ગયા હતાં. તેમાંથી એક યુવક નીરજની નજીક પહોંચ્યો અને અન્ય 3 દૂર ઊભા હતાં. આ લોકોએ નીરજ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ. તેના ઉપર બોમ્બ પણ ફેંક્યો. આ બોમ્બ અને ગોળીઓના હુમલાથી એક બદમાશ પણ ઘાયલ થઈ ગયો. બદમાશ તેને લઈને રફુચક્કર થઈ ગયાં. દુર્ગા પૂજા પંડાલના ગેટની બરાબર બહાર થયેલા ફાયરિંગ અને બોમ્બની આ ઘટનાથી વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ અને દર્શન માટે આવેલા લોકો સામાન છોડીને જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યાં હતાં. 


દુર્ગા પંડાલમાં આ રીતે જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપીને બદમાશો કેન્ટ વિસ્તાર તરફ ભાગી ગયા હતાં. પંડાલમાં હાજર લોકોએ નીરજને નજીકની હોસ્પિટલ પહોંચાડયો. ત્યાંથી તેને એસઆરએન રેફર કરાયો હતો. પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 


અત્રે જણાવવાનું કે નીરજ વાલ્મિકી એક કુખ્યાત અપરાધી હતો. તેના ઉપર હત્યા, અપહરણ, લૂંટ, ચોરી, અને ખંડણીના બે ડઝનથી વધુ મામલા નોંધાયેલા હતાં. વર્ષ 2008માં નીરજે અલાહાબાદના કચેરી પોસ્ટ ઓફિસમાં પણ હુમલો કરીને ડકૈતીની ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી. જેમાં એક ગાર્ડનું મોત થયું હતું. નીરજ વાલ્મિકી અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો સાથી પણ હતો જેણે મુંબઈમાં અનેક અપરાધીક ઘટનાઓને અંજામ આપ્યો હતો. નીરજ અલાહાબાદના નૈની સેન્ટ્રલ જેલથી પણ હત્યાની સોપારી લઈને મર્ડર કરતો હતો.


નીરજ વાલ્મિકી થોડા દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો હતો. પોલીસ તેને ગેંગવોર માની રહી છે. જો કે પોલીસ પોતે ખુલ્લેઆમ એ જણાવતી નથી કે તે છોટા રાજન ગેંગ સાથે જોડાયેલો હતો. મુંબઈના કાલાઘોડા શૂટઆઉટમાં તેનું નામ પણ આવ્યું હતું.